બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન કરતા માફિયાઓ તંત્ર કરતા પણ એક કદમ આગળ ચાલી રહ્યા હોવાનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે પોલીસ કે ખાણ-ખનિજ વિભાગ ગુનેગારો પર નજર રાખતો હોય છે, પરંતુ અહીં ખનિજ ચોરોએ જ સરકારી અધિકારીઓ પર વોચ ગોઠવી દીધી હતી! ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ જ્યારે પણ ચેકિંગ કે દરોડા પાડવા નીકળે ત્યારે તેમની જાસૂસી કરીને ખનિજ ચોરોને એલર્ટ કરી દેવાનું એક વ્યવસ્થિત નેટવર્ક બોટાદમાં ચાલતું હતું, જેનો હવે પર્દાફાશ થયો છે.
ખનિજ ચોરોની ગૂગલ મેપ જેવી જાસૂસી
મળતી વિગતો અનુસાર, બોટાદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાલોધરા અને તેમની ટીમને શંકા ગઈ હતી કે તેઓ જ્યારે પણ દરોડા પાડવા માટે નીકળે છે ત્યારે ખનિજ ચોરી કરતા વાહનો રસ્તા પરથી ગાયબ થઈ જાય છે અથવા પોતાના રૂટ બદલી નાખે છે. આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે કેટલાક શખ્સો દ્વારા સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આ ગ્રુપોમાં ખાણ-ખનિજ વિભાગ અને પોલીસ અધિકારીઓના સરકારી તેમજ ખાનગી વાહનોના ફોટા, તેઓ કઈ ઓફિસથી ક્યારે નીકળ્યા અને અત્યારે કયા ચોક્કસ લોકેશન પર ચેકિંગ કરી રહ્યા છે તેની લાઈવ અપડેટ્સ શેર કરવામાં આવતી હતી.
