તાજેતરમાં જ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સૌથી મોટો કોઈ સમાજ હોય તો એ બીજા નંબરનો કોળી સમાજ છે. રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી હોવા જોઈએ. તેમના આ નિવેદન બાદ અનેક રાજકીય વિવાદો ઉભા થયા હતાં. બીજી તરફ મંત્રી કુંવરજી બાવળિયાને લઈને પણ કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોવાનું સામે આવ્યું હતું. હવે બોટાદ ખાતે મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ ફરી એક નિવેદન આપતાં મામલો વધુ ગરમાયો હતો. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં પગ ખેંચવા વાળા તત્વોને પાડી દેવાના છે, તેમને લીલા તોરણે પાછા મોકલીશું.
ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ જાહેર મંચ પરથી કહ્યું
બોટાદ ખાતે કોળી સમાજના કાર્યક્રમમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા તેમજ પૂર્વ ધારાસભ્યો લાલજીભાઈ મેર અને રાજેશભાઈ ગોહિલ સહિત કોળી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ આગેવાનોએ સમાજના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો.આગેવાનોએ સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને વ્યસનોથી દૂર રહી,શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સમાજને વધુ સંગઠિત અને મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી. ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને સમાજને મહત્વપૂર્ણ ટકોર કરી હતી. તેમણે આકરા મિજાજમાં જણાવ્યું હતું કે,ચૂંટણી આવે ત્યારે જોશું કે હાથ પકડવા વાળા કેટલા છે અને પગ ખેંચવા વાળા કેટલા છે.આવા તત્વોને પાડી દેવાના છે અને લીલા તોરણે પાછા મોકલશું.
