બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલા નાગનેશ ગામ નજીક રાણપુર-ધંધુકા હાઇવે પર મોડી રાત્રિના સમયે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક કાર અને આઇસર ટ્રક વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગનો બોનસ સહિતનો કુરચો બોલી ગયો હતો, જેના કારણે કારમાં સવાર મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.

5 લોકોને ગંભીર ઇજા, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

આ કરૂણ દુર્ઘટનામાં કારમાં સવાર 4 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે કારના તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, અકસ્માતમાં ઘવાયેલા આઇસર ટ્રકના ચાલકને પણ તાત્કાલિક સારવાર માટે રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો, તપાસ શરૂ 

અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા અને વાહનવ્યવહાર ક્ષણભર માટે અટકી ગયો હતો. બનાવ અંગેની માહિતી મળતાં જ રાણપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરાવી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો