ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા છત્રાલ GIDC ના ફેઝ-4 માં એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી 'કોવીકા ડાયસ એન્ડ ઇન્ટરમિડીયેટ' નામની કેમિકલ કંપનીમાં કામકાજ દરમિયાન અચાનક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 કામદારોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ સમગ્ર છત્રાલ GIDC વિસ્તારના ઉદ્યોગો અને શ્રમિકોમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
70થી 80 ડિગ્રી ગરમ કેમિકલના પ્રેશરથી ફંગોળાયા
કંપનીમાં 70 થી 80 ડિગ્રી સેલ્સિયસ જેટલા અત્યંત ઊંચા તાપમાન ધરાવતા ગરમ કેમિકલની પ્રોસેસ ચાલી રહી હતી. આ દરમિયાન કામદારો કેમિકલની પાઇપ ફીટ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાઇપમાં ભારે પ્રેશર આવતાં આ અકસ્માત સર્જાયો હતો. ગરમ કેમિકલના પ્રેશર સાથે ફંગોળાતાં અને કેમિકલ શરીર પર પડતાં ચારેય કામદારોના શરીર કાળા પડી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમણે દમ તોડી દીધો હતો.

