છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ભારે વરસાદના કારણે લોકજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. કવાંટ તાલુકામાં આવેલા મોટી સાંકળ અને ખંડીબારા વચ્ચેનો મુખ્ય કોઝવે ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. માર્ગ તૂટી જવાના કારણે ગ્રામીણ વિસ્તારના સંપર્કો કપાઈ ગયા છે અને સ્થાનિક રહીશોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ખિલખિલાટ વાહન ન જઈ શકતાં પ્રસૂતા મહિલા મુશ્કેલીમાં

કોઝવે ધોવાઈ જવાના કારણે હોસ્પિટલેથી પ્રસૂતિ બાદ પરત ફરી રહેલી એક મહિલા મોટી મુશ્કેલીમાં મુકાઈ હતી. હોસ્પિટલમાંથી નવજાત બાળક અને માતાને ઘરે મૂકવા આવતી 'ખિલખિલાટ' વાહન રસ્તો બંધ હોવાના કારણે આગળ જઈ શક્યું ન હતું. પરિણામે, ખિલખિલાટ વાહન અટવાઈ જતાં પ્રસુતા મહિલાને પોતાના માસૂમ નવજાત બાળકને ખોળામાં લઈને અડધે રસ્તેથી ચાલતાં ઘરે જવાની નોબત આવી હતી.

જોખમી રીતે કોઝવે પસાર કરતો વીડિયો વાયરલ

મહિલા પોતાના નવજાત બાળકને કાળજીપૂર્વક સાચવીને તૂટેલા અને જોખમી કોઝવે પરથી પગપાળા પસાર થઈ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા આ તૂટેલા કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે જેથી આવી જોખમી સ્થિતિ ફરી નિર્માણ ન થાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો