છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલ રાયસિંગપુરા ગામે દીપડાના હુમલાની અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ઘરમાં સૂતેલા ૬૫ વર્ષીય રહલીબેન રેવજીભાઈ નાયક પર અચાનક આવી ચડેલા દીપડાએ ત્રાટકીને હુમલો કર્યો હતો. હિંસક દીપડો વૃદ્ધાને ઢસડીને ગામની સીમમાં ખેંચી ગયો હતો અને ત્યાં તેમને ઘાતકી રીતે ફાડી ખાધા હતા.

માથું ધડથી અલગ હાલતમાં મળતાં ભારે અરેરાટી

સવારે જ્યારે ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી ત્યારે સીમમાંથી રહલીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાએ વૃદ્ધા પર એ હદે ભયાનક હુમલો કર્યો હતો કે તેમનું માથું ધડથી અલગ થઈ ગયેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું હતું.

માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગ હરકતમાં

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ રાયસિંગપુરા ગામે દીપડાના હુમલામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફરી એકવાર આ પ્રકારે જીવલેણ હુમલો થતાં સમગ્ર કવાંટ પંથક અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. માનવભક્ષી બનેલા આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા બોનસ પાંજરા મૂકીને તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો