છોટાઉદેપુર પંથકમાં બેફામ દોડતાં રેતી-કપચીના ભારે વાહનોનો આતંક વધુ એક નિર્દોષ પરિવાર માટે માતમ બનીને ત્રાટક્યો છે. છોટાઉદેપુર તાલુકાના ખડકવાડા ગામે પુરપાટ ઝડપે આવી રહેલી રેતી ભરેલી એક ટ્રકે બાઇક સવાર યુવકોને જોરદાર ટક્કર મારી ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ કમકમાટીભરી દુર્ઘટનામાં બાઇક પર સવાર ધોરણ 12 ના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો.

ધોરણ 12 ના વિદ્યાર્થી અશોક રાઠવાનું ઘટનાસ્થળે મોત

અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાં જ બાઇક રોડ પર ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માતમાં કાળમુખી ટ્રક નીચે કચડાઈ જવાથી અશોકભાઈ રામસીંગભાઇ રાઠવા (રહે. સ્થાનિક પંથક) નામના ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ તરફડીને મોત નીપજ્યું હતું.આશાસ્પદ યુવકના અકાળે અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતાં તેના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

બે યુવાનો ગંભીર રીતે ઘાયલ, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

બાઇક પર સવાર અન્ય બે સવારોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા.બંને યુવાનોને વધુ સારવાર માટે છોટાઉદેપુરની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

ચાલક ટ્રક મૂકીને ફરાર, સ્થાનિક ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પરિસ્થિતિની ગંભીરતા જોઈને પોતાના વાહનને રસ્તા પર જ બિનવારસી હાલતમાં મૂકીને નાસી છૂટ્યો હતો.રેતી ખનન અને ગેરકાયદેસર રીતે બેફામ દોડતા ઓવરલોડેડ ટ્રક-ડમ્પરો સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો.સ્થાનિકોનો આરોપ છે કે ગ્રામીણ માર્ગો પરથી પસાર થતી આ રેતીની ટ્રકો કોઈ પણ નિયમોની પરવા કર્યા વગર અતિશય ઝડપે દોડતી હોવાથી અવારનવાર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Surat: ઉન-ભેસ્તાનમાં 8 મોટા ભંગારીયાઓ પર 3 દિવસથી GSTના દરોડા, કરોડોનું બોગસ બિલિંગ નેટવર્ક પકડાયું!