છોટાઉદેપુર નગરપાલિકાના નવા પ્રમુખની વરણી માટે આગામી 22 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષમાં મોટું ગાબડું પાડીને મોટો રાજકીય ધડાકો કર્યો છે. નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઝાકીર દડી સહિત કુલ 5 સભ્યોએ ભાજપનો ભગવો ધારણ કરી લેતાં પાલિકાનું રાજકીય ગણિત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
પ્રમુખની વરણી પહેલાં ભાજપનો મોટો ધડાકો
ભાજપમાં જોડાયેલા સભ્યોમાં 'ગુજરાત સર્વ સમાજ પાર્ટી'ના 4 સભ્યો અને 'બહુજન સમાજ પાર્ટી' (BSP) ના 1 સભ્યનો સમાવેશ થાય છે. પ્રમુખની બિનહરીફ કે મજબૂત વરણી પહેલાં જ વિપક્ષી ખેમામાંથી 5 સભ્યો ભાજપમાં ભળી જતાં છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ હવે સૌથી મજબૂત અને સ્પષ્ટ બહુમતીથી પણ વધુ થઈ ગયું છે. છોટાઉદેપુર ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમ દરમિયાન આ તમામ સભ્યોને ભાજપના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
