છોટાઉદેપુર જિલ્લામાં સરકારી અધિકારીઓ અને તેમની ગાડીઓની ગતિવિધિઓ પર નજર રાખીને રેકી કરતા તત્વો સામે જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરી છે. જિલ્લાના છોટાઉદેપુર, પાવી જેતપુર, બોડેલી અને સંખેડા સહિતના વિસ્તારોમાં વોટ્સએપ ગ્રુપ બનાવીને અધિકારીઓનું લોકેશન ટ્રેક કરતા 85 જેટલા શકમંદ લોકોને ઓળખી કાઢીને તાત્કાલિક અસરથી એસપી ઓફિસે બોલાવવામાં આવ્યા હતા.આ તમામ શકમંદોને કાયદા વિરુદ્ધની ગતિવિધિઓ તાત્કાલિક બંધ કરવા માટે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે.

પળેપળની માહિતી એકબીજાને શેર કરતા

પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે,આ તમામ શંકાસ્પદ લોકો વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સરકારી ગાડીઓ અને અધિકારીઓ કઈ તરફ જઈ રહ્યા છે તેની પળેપળની માહિતી એકબીજાને શેર કરતા હતા.આ રેકી પાછળ ખનીજ ચોરી, દારૂની હેરાફેરી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા માફિયાઓને પોલીસની પકડમાંથી બચાવવાનો હેતુ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.આવા વોટ્સએપ ગ્રુપો સરકારી તંત્રની ગુપ્તતા અને કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં સીધો અવરોધ ઊભો કરે છે.

તમામ 85 લોકોને કડક તાકીદ કરવામાં આવી

આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર એસપી દ્વારા આ તમામ 85 લોકોને કડક તાકીદ કરવામાં આવી છે કે જો ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કોઈની પણ સંડોવણી જણાશે, તો તેમની સામે કાયદાનું શસ્ત્ર ઉગામીને કડક કાનૂની પગલાં ભરવામાં આવશે.આ સાથે જ સોશિયલ મીડિયા ગ્રુપો પર બાજ નજર રાખવા માટે સ્થાનિક સાયબર ક્રાઈમ અને પોલીસ ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad RathYatra 2026 : હર્ષ સંઘવીનું નિવેદન, 30 હજાર જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે પ્રભુની નગરચર્યા