સુરેન્દ્રનગર જિલ્લા એટલે કે ઝાલાવાડ પંથકમાં ચોમાસાની સીઝનને લઈને લાંબા સમયથી ચાલી રહેલી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. જિલ્લાના મુખ્ય મથકો સહિત ગ્રામીણ વિસ્તારોમાં સવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને હાઈવે પંથક અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા ચોટીલા તેમજ તેના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચતા સ્થાનિક જનજીવન ખીલી ઊઠ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદી ઝાપટાં
ચોટીલા તાલુકાના મોટા ગણાતા એવા ઝીંઝુડા અને મોલડી ગામોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. પવનના સુસવાટા સાથે શરૂ થયેલા વરસાદના કારણે ગ્રામીણ રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત કાળાસર અને ખેરડી પંથકમાં પણ મેઘરાજાએ લાંબા સમય બાદ પોતાની હાજરી પુરાવી છે. સતત પડી રહેલા આ હળવા અને મધ્યમ વરસાદના કારણે વાતાવરણમાં એકાએક એર-કન્ડિશન જેવી ઠંડક પ્રસરી ગઈ છે, જેના લીધે છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારો સહન કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે.
