ચોટીલા ખાતે આવેલી પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશન પરિસરમાં લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયા સામે જુગારના એક કેસમાં પકડાયેલા આરોપીઓના જામીન કરાવી આપવાના બદલામાં રૂ. 27,000 ની લાંચ માગવાનો ગંભીર આક્ષેપ થયો હતો.
જુગારના કેસમાં જામીન માટે લાંચની માગણી
અધિકારી દ્વારા વારંવાર કરવામાં આવતી લાંચની માગણીથી કંટાળીને જાગૃત નાગરિકે તાત્કાલિક ACB ના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી રાજકોટની ટીમે ચોટીલા ખાતે લાંચનું છટકું ગોઠવવાની યોજના બનાવી હતી.ગોઠવેલી યોજના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે આવેલી D-સ્ટાફ ઓફિસ સામે છટકું ગોઠવવામાં આવ્યું હતું. નાગરિક પાસેથી હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયાએ રૂ. 27,000 ની લાંચની રકમ સ્વીકારતાં જ આસપાસ ગોઠવાયેલી ACB રાજકોટની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
