અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પીવાના પાણીના પ્રશ્ને સર્જાયેલા વિવાદે ગંભીર અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના પ્લોટ વિસ્તારમાં પાણી અંગેની રજૂઆત કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. પાણીની સમસ્યાને લઈને થયેલા આ વિવાદે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
કોંગ્રેસ અગ્રણી અને ઉપસરપંચ જીતુભાઈ વાળાનો રિવોલ્વર સાથેનો વીડિયો વાયરલ
આ ઘટના દરમિયાન અડતાળા ગામના કોંગ્રેસ અગ્રણી અને ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીતુભાઈ વાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ ખુલ્લેઆમ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો પકડેલા નજરે ચઢી રહ્યા છે. જાહેરમાં હથિયાર બતાવીને ધાકધમકી આપવા અને ધોકા વડે હુમલો કરવાના ગંભીર આક્ષેપો તેમના પર મૂકવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાઈ ગયો છે.


