આણંદ જિલ્લાના પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલા વાસદ-બગોદરા હાઇવે પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સફળ દરોડો પાડીને ચાલી રહેલા એક મોટા કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વાસદ-બગોદરા હાઇવે પર દંતેલી પાટીયા નજીકથી ટેન્કરમાંથી ગેરકાયદે રીતે કેમિકલ કાઢીને ચોરી આચરવામાં આવી રહી હતી, જેને પોલીસે રંગેહાથ ઝડપી પાડી છે.

માલિકની જાણ બહાર ટેન્કરમાંથી થતી હતી ચોરી

પ્રાપ્ત વિગતો અનુસાર, ટેન્કરના મૂળ માલિક અને કંપનીની જાણ બહાર જ આ કેમિકલ ચોરીનું કૌભાંડ આચરવામાં આવતું હતું. ટેન્કર ચાલકો અને ચોરીના આ નેટવર્ક સાથે જોડાયેલા ઇસમો દંતેલી પાટીયા નજીક ગુપ્ત રીતે ટેન્કર ઊભું રાખીને તેમાંથી કેમિકલ ચોરી લેતા હતા. SMCની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અચાનક દરોડો પાડતા આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનો ખુલાસો થયો હતો.

રૂ. 1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત

SMC દ્વારા કરવામાં આવેલી આ સઘન કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી કુલ 65,312 કિલો જેટલું કિંમતી કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેમિકલ ભરેલા ટેન્કર અને અન્ય ચોરી માટે વપરાતા સાધન-સામગ્રી સહિત કુલ રૂપિયા 1,29,40,070નો મુદ્દામાલ પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો છે.

Anand News: Rs 1.29 Cr Chemical Theft Racket Busted on Vasad-Bagodra Highway | SMC Raid

6 આરોપીઓ સામે ગુનો દાખલ, 3ની ધરપકડ, 2 નાસી છૂટ્યા

આ કૌભાંડ સંદર્ભે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના વતની એવા ધર્મેન્દ્રસિંગ રાજપૂત, રાજનસિંગ રાજપૂત અને રામવિકાસ યાદવ સહિત એક સગીરની સંડોવણી બહાર આવી છે. પોલીસે મુખ્ય આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે આ કેસમાં નાસી છૂટેલા અન્ય 2 આરોપીઓને પકડી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Anand : છેતરપિંડી કરનારા બંને શખ્સને 4 દિવસના રિમાન્ડ