બનાસકાંઠા જિલ્લાના હડાદમાં લગ્નની લાલચ આપી યુવક સાથે કથિત રીતે ઠગાઈ કરનાર ‘લૂંટેરી દુલ્હન’ની ટોળકી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. યુવકને કન્યા બતાવી ખોટી ચાંદલા વિધિ કરાવ્યા બાદ રોકડા 1.50 લાખ અને ચાંદીનું મંગળસૂત્ર પડાવી લેવામાં આવ્યું હોવાનો આરોપ છે. પૈસા અને દાગીના મેળવ્યા બાદ યુવકને માર મારી ધમકાવી ભગાડી મૂક્યાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખોટી ચાંદલા વિધિ કરાવી પૈસા પડાવ્યાનો આરોપ

પોલીસ ફરિયાદ મુજબ યુવકને લગ્ન કરાવવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ કન્યા બતાવી ચાંદલા વિધિ કરાવવામાં આવી હોવાનો આરોપ છે. વિધિના નામે યુવક પાસેથી રોકડા 1.50 લાખ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચાંદીનું મંગળસૂત્ર પણ પડાવી લેવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યો છે.

પૈસા લીધા બાદ માર મારી ધમકાવ્યાનો આક્ષેપ

ઠગાઈનો ભોગ બનેલા યુવક પાસેથી પૈસા અને દાગીના મેળવ્યા બાદ તેને માર મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. યુવકને ધમકાવીને ત્યાંથી ભગાડી મૂકવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ યુવકે પોલીસનો સંપર્ક કરતા ઠગાઈની સમગ્ર ટોળકી સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.

ટેકનિકલ સર્વેલન્સથી હડાદ પોલીસે ઉકેલ્યો ભેદ

હડાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે કથિત ઠગ ટોળકી સુધી પહોંચવામાં સફળતા મેળવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં દુલ્હન સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં કથિત દુલ્હન ઉપરાંત 2 કથિત દલાલોનો પણ સમાવેશ થાય છે.

ઠગાઈનો મુદ્દામાલ કબજે

પોલીસે આરોપીઓ પાસેથી ઠગાઈ સાથે સંબંધિત મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટોળકીએ અન્ય કોઈ યુવકોને પણ લગ્નના નામે ફસાવી ઠગાઈ કરી છે કે નહીં તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  


આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ