બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ડેરી ગામ નજીક રેડ કરવા પહોંચેલી ટીમ પર હુમલો થતાં એક પોલીસ કર્મી ઘાયલ થયો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. સમગ્ર મામલે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

લક્ઝરી કારોમાં દારૂની હેરાફેરીની બાતમી

પ્રાથમિક માહિતી મુજબ, મેથીપુરા બોર્ડર તરફથી મોંઘીદાટ લક્ઝરી કારોમાં વિદેશી દારૂનો સપ્લાય કરવામાં આવતો હોવાની બાતમીના આધારે એસએમસીની ટીમ કાર્યવાહી માટે પહોંચી હતી. આ દરમિયાન વિદેશી દારૂ ભરેલી કારો ટીમને જોઈને મેથીપુરા તરફ ભાગવા લાગી હતી.

પીછો કરતી ટીમ પર ડેરી ગામ નજીક હુમલો

દારૂ ભરેલી કારોનો પીછો કરતી એસએમસીની ટીમ ડેરી ગામ નજીક પહોંચી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ હુમલામાં એસએમસીનો એક પોલીસ કર્મી ઘાયલ થયો હોવાની પ્રાથમિક માહિતી છે.

રાજસ્થાન પોલીસને સાથે રાખી કાર્યવાહી

કારોનો પીછો કરતાં એસએમસીની ટીમ મેથીપુરા પહોંચી હતી. ત્યારબાદ એસએમસીના પોલીસ કર્મીઓએ રાજસ્થાન પોલીસને સાથે રાખીને કાર્યવાહી શરૂ કરી હતી. સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી અને ટીમ પર થયેલા હુમલાને પગલે પોલીસ કાર્યવાહી તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ

સમગ્ર ઘટનાને લઈને દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં દારૂની હેરાફેરી પાછળ કોણ છે, હુમલામાં કોણ સામેલ હતું અને લક્ઝરી કારોમાં દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો તે સહિતના મુદ્દાઓ સામે આવે તેવી શક્યતા છે.  


આ પણ વાંચો :    Patidar Andolan : આનંદીબેનની માફી માગવાના નિવેદન પર પાટીદાર આગેવાનોમાં મતભેદ, ચિરાગ અને લાલજી પટેલે ઉઠાવ્યા સવાલો