ભરૂચની નિજધામ રેસીડેન્સીમાંથી 2 દિવસ પહેલા ગુમ થયેલા 14 વર્ષીય કાનવ શાહનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કાનવ રાત્રિના સમયે સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. પરિવારજનોએ સતત શોધખોળ કરી હતી, છતાં કાનવ અંગે કોઈ માહિતી મળી શકી નહોતી.
ગતરોજ જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી
ગુમ થયેલા કિશોરની શોધ દરમિયાન ગતરોજ જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી આવી હતી. સાયકલ મળી આવતાં નર્મદા નદીમાં કાનવની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ભરૂચ ફાયર વિભાગ અને સામાજિક કાર્યકરોની ટીમ દ્વારા નદી અને આસપાસના વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મૃતદેહ નર્મદા નદીના કાંસિયા નજીકના પટ વિસ્તારમાંથી મળ્યો
2 દિવસ સુધી ચાલેલી સઘન શોધખોળ બાદ કાનવ શાહનો મૃતદેહ નર્મદા નદીના કાંસિયા નજીકના પટ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. મૃતદેહ મળતાં પરિવારજનોમાં શોક અને ગમગીની છવાઈ ગઈ હતી. ગુમ થયેલા 14 વર્ષીય બાળકની શોધ માટે પરિવાર છેલ્લા 2 દિવસથી આશા સાથે રાહ જોઈ રહ્યો હતો, પરંતુ અંતે શોધખોળનો કરુણ અંત આવ્યો.
પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે મોકલવાની પ્રક્રિયા કરવામાં આવી છે.
પોલીસ તપાસ શરુ
કાનવ નદી સુધી કેવી રીતે પહોંચ્યો અને તેની સાથે ચોક્કસ શું બન્યું તે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ કિશોરના મોત પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ