ભાવનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલી 'ધ એવન્યુ હોટેલ'માં હોટેલની આડમાં ખુલ્લેઆમ જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમી નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે હોટેલ પર ઓચિંતી રેડ (દરોડો) પાડતા ચકચાર મચી ગઈ હતી.
રૂમ નંબર 106માં ચાલતો હતો તીનપત્તીનો જુગાર
પોલીસ તપાસ દરમિયાન હોટેલના રૂમ નંબર 106માં બહારથી દરવાજો બંધ કરીને અંદર કેટલાક શખ્સો દ્વારા જુગાર રમાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તુરંત જ રૂમમાં દરોડો પાડીને ત્યાં તીનપત્તીનો જુગાર રમી રહેલા 9 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં હોટેલના સંચાલક બ્રિજરાજસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે.
