ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉખરલા ગામ પાસે ગત ૨૫ ઓક્ટોબરના રોજ એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવકની ઓળખ મુન્નાભાઈ ડાભી (ઉ.વ. 29) તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રૂપિયાની લેતીદેતીના મનદુઃખ અને માથાકૂટને કારણે આરોપીઓએ ઉશ્કેરાઈને મુન્નાભાઈના માથામાં લાકડાના ઘા ઝીંકીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી અને લાશને ફેંકી દીધી હતી.
મોટા ખોખરાના બે શખ્સોની ધરપકડ અને કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર
આ ગંભીર ગુનાને અંજામ આપીને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વરતેજ પોલીસ દ્વારા સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે વરતેજ પોલીસે મોટા ખોખરા ગામના બે શખ્સોની સંડોવણી પકડી પાડીને તેમની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા બંને આરોપીઓને પોલીસ દ્વારા સઘન પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે બંને આરોપીઓના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
