છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક મોટી ઘટના સામે આવી છે. બોડેલી શહેરમાં તસ્કરો બેફામ બની ગયા હોય તેમ પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને એક જ રાતમાં પાંચ અલગ-અલગ સ્થળોને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ પાંચ સ્થળોના તાળાં તોડીને ભારે તરખાટ મચાવ્યો હતો, જેના કારણે સમગ્ર વેપારી આલમ અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષ વ્યાપી ગયો છે.
બંધ મકાનો અને દુકાનોને બનાવ્યા નિશાન
પ્રાપ્ત વિગતો અનુસાર, બોડેલી વિસ્તારમાં તસ્કરોએ રાત્રિના સુમારે આતંક મચાવતા કુલ પાંચ બંધ મકાનો અને વ્યાપારી દુકાનોના તાળાં તોડ્યા હતા. આ તસ્કરોએ દુકાનો અને મકાનોમાં અંદર પ્રવેશીને તિજોરીઓ તથા કબાટો ફોડી નાખ્યા હતા. ઘરમાં રાખેલા સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ લાખો રૂપિયાની રોકડ રકમની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તહેવારો કે રજાના માહોલ વચ્ચે એકસાથે પાંચ જગ્યાએ ચોરી થવાની આ ઘટનાથી લોકોમાં સુરક્ષા સામે ડરનો માહોલ સર્જાયો છે.
