ધાનેરા પોલીસ દ્વારા NDPS (નાર્કોટિક્સ) કેસના આરોપી અશોક બિશ્નોઈ સામે કડક કાર્યવાહી કરતા સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપી અશોક બિશ્નોઈને તપાસ અર્થે ભરૂચ લઈ જવામાં આવી રહ્યો હતો. આ મુસાફરી દરમિયાન આરોપીએ પોલીસ જાપ્તામાંથી છટકવા માટે અચાનક હિંસક વલણ અપનાવ્યું હતું અને પોલીસની ગાડીના ડ્રાઈવર પર હુમલો કરી દીધો હતો, જેના કારણે ગાડીમાં અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસની રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કરતા PIએ 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું

ડ્રાઈવર પર હુમલો કર્યા બાદ આરોપી અશોક બિશ્નોઈએ પોલીસ કર્મચારીની સર્વિસ રિવોલ્વર ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા અને પોલીસ કર્મચારીઓના જીવ પર જોખમ ઊભું થતા ધાનેરા PIએ સમયસૂચકતા વાપરી સ્વબચાવમાં પોતાની રિવોલ્વરમાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ફાયરિંગમાં ગોળી આરોપીના પગમાં વાગી હતી, જેના પગલે આરોપી જમીન પર પટકાયો હતો અને પોલીસે તેને તરત જ કાબૂમાં લઈ ઝડપી પાડ્યો હતો.

ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

પગમાં ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા આરોપી અશોક બિશ્નોઈને પોલીસ જાપ્તા હેઠળ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીની સારવાર ચાલી રહી છે. પોલીસ પર હુમલો કરવા અને હથિયાર છીનવવાનો પ્રયાસ કરવા બદલ આરોપી વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Gir Somnathના સુત્રાપાડામાં સિંહ પરિવારના ધામા! પ્રશ્નનાવડા ગામ નજીક રહેણાંક વિસ્તાર પાસે ભયનો માહોલ