પંચમહાલ જિલ્લાના મુખ્યાલય ગોધરા ખાતે આવેલી સબ જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીની હત્યાના ગંભીર ગુના હેઠળ છેલ્લા એક વર્ષથી ગોધરા સબ જેલમાં કાચા કામના કેદી તરીકે લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા સુનિલ ચંદવાની નામના કેદીએ જેલની અંદર જ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ આત્મહત્યાની ઘટનાને પગલે સમગ્ર જેલ પ્રશાસનમાં અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી જવા પામી છે.
નાઈટ પેન્ટના નાડા વડે બાથરૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક કેદી સુનિલ ચંદવાનીએ જેલના બાથરૂમમાં જઈને પોતાના નાઈટ પેન્ટના નાડા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંતિમ પગલું ભરીને તેણે આપઘાત કરી લેતા જેલ સ્ટાફમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ ઘટના સ્થળે દોડી આવી
ઘટનાની જાણ થતા જ એડીશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM), ડીવાયએસપી (DySP), મામલતદાર તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ તાત્કાલિક ગોધરા સબ જેલ ખાતે દોડી આવી હતી. તંત્ર દ્વારા ઘટના સ્થળની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે અને પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વડોદરા ખાતે કરાશે પેનલ પોસ્ટ મોર્ટમ
આ કેદીના રહસ્યમય અને દુઃખદ મૃત્યુ બાદ કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની પારદર્શક અને ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ વડોદરા ખાતે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેલ સત્તાધીશો અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!