સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ સ્ટેશનમાંથી હચમચાવી નાખતી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ કસ્ટડીમાં અટકાયત હેઠળ રહેલા ૩૯ વર્ષીય એક આરોપીએ પોલીસ સ્ટેશનના લોકઅપ કે જેલના સળિયા સાથે પોતાના જ નાઈટ ડ્રેસની દોરી બાંધીને ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ કરૂણ ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે તથા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા છે.

આરોપીની ઓળખ અનિલ ગોવિંદભાઈ વાઘેલા તરીકે થઈ

પ્રાપ્ત વિગતો અનુસાર,મૃતક આરોપીની ઓળખ અનિલ ગોવિંદભાઈ વાઘેલા તરીકે થઈ છે.તે મૂળ ખેરાલુ તાલુકાના મિયાસણા ગામનો વતની હતો,પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે પોતાની પત્ની સાથે સાસરીમાં ઇડરના લક્ષ્મણગઢ ગામ ખાતે રહેતો હતો.ગત રાત્રિ દરમિયાન પારિવારિક વિવાદ અને ગૃહ કંકાસ ચરમસીમાએ પહોંચતા તેની પત્ની દ્વારા કંટાળીને કટોકટીની મદદ માટે 112 નંબર પર ફોન કરવામાં આવ્યો હતો.પોલીસ કંટ્રોલ રૂમને મળેલી આ માહિતીના આધારે ઇડર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક લક્ષ્મણગઢ ગામે પહોંચી હતી અને અનિલ વાઘેલાની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

પંચનામા સહિતની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રહેલા આ આરોપીએ વહેલી સવારે અચાનક જ લોકઅપ કે જેલના સળિયા સાથે પોતાના નાઈટ ડ્રેસમાં રહેલી દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.પોલીસ મથકની અંદર જ આરોપીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પોલીસ સ્ટાફમાં હડકંપ મચી ગયો હતો અને ચકચાર ફેલાઈ ગઈ હતી.બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત ધોરણે ઇડર પ્રાંત અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં પંચનામા સહિતની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઇડર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.પારિવારિક કંકાસ અને ઘરેલુ વિવાદને કારણે રાત્રે થયેલી અટકાયત બાદ વહેલી સવારે તેણે આત્યંતિક પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. 

આ પણ વાંચોઃ Rajkot: મેટોડા GIDCના પ્રમુખ પદનો નિર્ણય અધ્ધરતાલ; વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની અનિચ્છાથી પેચ ફસાયો