કલોલ શહેરમાં ગત મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવતા સ્ટેશન રોડ પર આવેલી બે દુકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, સ્ટેશન રોડ પર આવેલી મેમન ટ્રેડર્સ અને વલીભાઈ લતીફભાઈ મેમણની દુકાનના તાળા તૂટ્યા હતા. તસ્કરો બંને દુકાનોમાંથી ₹5 લાખ ઉપરાંતની રોકડ રકમ તેમજ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડીને પોતાની સાથે લઈ ગયા હતા. બાઈક પર આવેલા બે અજાણ્યા તસ્કરો આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે.
સતત ચોરી-લૂંટના બનાવોથી નાગરિકો અને વેપારીઓમાં ચિંતા
કલોલમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટના બનાવોમાં વધારો થતા વેપારીઓ અને સ્થાનિક નાગરિકોમાં ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગતરોજ બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ મોર્નિંગ વોક પર નીકળેલા બે લોકોના સોનાના દોરાની લૂંટ ચલાવી હતી, જ્યારે તે અગાઉ પણ સોનીની બે દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી. સતત બનતી આવી ઘટનાઓથી લોકોમાં પોતાની જાન-માલની સુરક્ષા અંગે ચિંતા વધી છે.
