ખંભાત તાલુકાના મેતપુર ગામમાં સહજાનંદ ફળિયામાં પિતાએ પોતાની 21 વર્ષીય પુત્રી સાન્યાની દુપટ્ટા વડે ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ગામના જ એક યુવક સાથે પુત્રીના પ્રેમસંબંધ હોવાની શંકામાં પિતા કૌશલ રમણભાઈ પટેલે મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હત્યારા પિતા કૌશલ રમણભાઈ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. હાલમાં પોલીસે આરોપી પિતાને કસ્ટડીમાં લઈને આ સમગ્ર ગુના સંદર્ભે આગળની સઘન તપાસ હાથ ધરી છે.
પુત્રીના પ્રેમસંબંધથી પિતા હતો નારાજ
ઘટનાની વિગતો અનુસાર, કૌશલ રમણભાઈ પટેલ પોતાની 21 વર્ષીય પુત્રી સાન્યાના ગામના જ એક યુવક સાથેના પ્રેમસંબંધથી ભારે નારાજ હતો.પુત્રીના ગામના યુવાન સાથેના પ્રેમસંબંધની શંકા રાખીને પિતા સતત તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યો હતો.આવેશમાં આવી ગયેલા પિતા કૌશલ પટેલે પોતાના જ ઘરમાં પુત્રી સાન્યાનું દુપટ્ટા વડે ગળું દબાવી દીધું હતું અને મોતને ઘાટ ઉતારી દીધી હતી.હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પિતાએ સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.પિતાએ કાયદાના સકંજામાંથી બચવા માટે આ જઘન્ય હત્યાકાંડને આત્મહત્યામાં ખપાવી દેવાનો કારસો ઘડી કાઢ્યો હતો. મોત પામેલી યુવતીના મૃતદેહને જોઈને કુદરતે પણ હત્યારા પિતાનો સાથ આપ્યો ન હતો.ઘટના બાદ જ્યારે સાન્યાના મૃતદેહને ખંભાતની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ત્યાં જ ભાંડો ફૂટ્યો હતો.
