કચ્છ જિલ્લાના ઔદ્યોગિક અને ટ્રાન્સપોર્ટ હબ ગણાતા ગાંધીધામ શહેરમાંથી ગુનાખોરીનો એક અત્યંત ચંકાવનારો અને હાઇટેક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીધામના એક જાણીતા ટ્રાન્સપોર્ટ વેપારીનું અજાણ્યા તત્વો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારો વેપારીને ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ ગયા હતા અને ત્યાં તેને બંધક બનાવી દીધો હતો. ત્યારબાદ અપહરણકારોએ નાણાં મેળવવા માટે એક નવો જ કિડનેપિંગ નેટવર્ક રૂટ અપનાવ્યો હતો. તેમણે બંધક વેપારી પાસે તેના દુબઈ ખાતે રહેતા ભાઈને વીડિયો કોલ કરાવ્યો હતો અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ગાંધીધામમાં રૂ. 5.55 કરોડનું ક્રિપ્ટો ખંડણી કાંડ

ભાઈનો જીવ બચાવવા માટે દુબઈથી જ બળજબરીપૂર્વક 5,84,500 USDT (ટેધર ક્રિપ્ટોકરન્સી) અપહરણકારોના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ ક્રિપ્ટોકરન્સીની ભારતીય રૂપિયામાં અંદાજિત કિંમત રૂ. 5.55 કરોડથી વધુ થવા જાય છે.ખંડણી વસૂલ્યા બાદ વેપારીને મુક્ત કરાતાં સમગ્ર મામલો કચ્છ પૂર્વ પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કચ્છ પૂર્વ પોલીસ વડા દ્વારા એલસીબી (LCB), એસઓજી (SOG), નેત્રમ (CCTV કંટ્રોલ રૂમ) અને સ્થાનિક પોલીસની બનેલી 10 જેટલી વિશેષ ટીમો બનાવીને તપાસ ધમધમાવવામાં આવી હતી.

 7 રીઢા આરોપીઓની ધરપકડ કરી

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દરોડા પાડીને આ ગુનામાં સંડોવાયેલા 7 રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી 11 મોંઘાદાટ મોબાઇલ ફોન અને રૂ. 9.68 લાખની રોકડ રકમ કબજે કરી છે. ગંભીર ગુનાની તપાસના ભાગરૂપે પોલીસે પકડાયેલા આરોપીઓને સાથે રાખીને સપનાનગર ખાતે બનાવ સ્થળે લઈ જઈ સંપૂર્ણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન  કરાવ્યું હતું.આ સનસનાટીભર્યા ખંડણી કાંડનો મુખ્ય સૂત્રધાર જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહિલ બુચડ હજુ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને ઝડપી પાડવા માટે પોલીસે ચારેય તરફ ચક્ર ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Rajula: હિંડોરણા ચોકડી પાસે રસોઈ સમયે ગેસનો બાટલો લીકેજ થતાં આગ ફાટી નીકળી, દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે દાઝ્યા