કેનેડા જવા માટે વર્ક પરમિટ અને પીઆર વિઝા અપાવવાની લાલચ આપીને મહેસાણાના એક વ્યક્તિ પાસેથી રૂ. 50 લાખ પડાવી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પતિ-પત્નીએ વિદેશ મોકલવાની ખાતરી આપીને આ રકમ મેળવી હતી. જોકે, પૈસા લીધા બાદ વિઝા અપાવવાની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નહોતી. અંતે ફરિયાદીએ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાવી છે.

કેનેડા જવાના નામે આપી લાલચ

મહેસાણાના રાધનપુર રોડ પર રહેતા અને મૂળ શંખલપુરના વતની હરિભાઈ કાન્તીભાઈ ભીખાભાઈ પટેલ સાથે આ છેતરપિંડી કરવામાં આવી હતી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઓમકાર બંગ્લોઝ ખાતે રહેતા કુશલકુમાર નવીનચંદ્ર પટેલ અને તેમની પત્ની અવનીબેન કુશલકુમાર પટેલે ફરિયાદીને કેનેડા મોકલવાની ખાતરી આપી હતી.

વર્ક પરમિટ અને પીઆર વિઝાનું આપ્યું આશ્વાસન

આરોપી પતિ-પત્નીએ ફરિયાદીને કેનેડા જવા માટે વર્ક પરમિટ અને પીઆર વિઝા અપાવી આપવાની લાલચ આપી હતી. સાથે જ જો વિદેશ જવાની પ્રક્રિયા સફળ ન થાય તો પૈસા પરત આપવાનો વિશ્વાસ પણ અપાવ્યો હતો. આ ખાતરીના આધારે ફરિયાદીએ આરોપીઓને ટુકડે-ટુકડે કરીને કુલ રૂ. 50,00,000 જેટલી મોટી રકમ આપી હતી.

પૈસા લીધા બાદ વિઝાની પ્રક્રિયા નહીં

ફરિયાદ મુજબ, આરોપીઓએ પૈસા મેળવી લીધા બાદ કેનેડા જવાના વિઝા અપાવ્યા નહોતા. એટલું જ નહીં, વિઝા મેળવવા માટે કોઈ પ્રક્રિયા પણ કરવામાં આવી નહોતી. લાંબા સમય સુધી વિઝા ન મળતાં ફરિયાદીએ આરોપીઓ પાસે પૂછપરછ શરૂ કરી હતી.

ઓફિસ બંધ કરી આરોપીઓ ફરાર

ફરિયાદીએ વિઝા અંગે પૂછપરછ કરતાં આરોપીઓએ પોતાની ઓફિસ બંધ કરી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા. આથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે હરિભાઈ પટેલે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુશલકુમાર નવીનચંદ્ર પટેલ અને અવનીબેન કુશલકુમાર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  


આ પણ વાંચો  :   New Delhi : કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધાર્યું