મહેસાણા સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા તાલુકાના ઉચરપી ગામની સીમમાં જીએસ ફાર્મ પાસે આવેલા એક ખેતરની બોરની ઓરડીમાંથી ગેરકાયદે શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ અને સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક ઝડપાઇ ગયું છે. પોલીસની આ રેડથી બુટલેગરો અને સાયબર ઠગાઇ આચરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
'માર્કેટ પ્લસ' એપ અને શ્યામ સ્ટોક દ્વારા છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી
આ ઠગ ટોળકી અત્યાધુનિક યુક્તિ-પ્રયુક્તિઓથી લોકોને ફસાવતી હતી. આરોપીઓ 'માર્કેટ પ્લસ' નામની એપ્લિકેશન તથા અન્ય ટ્રેડિંગ એપ્સ દ્વારા ગેરકાયદે શેરબજારનું કામકાજ ચલાવતા હતા. તેઓ 'શ્યામ સ્ટોક એડવાઇઝર' કંપનીના નામે ખોટી ઓળખ આપીને ભોળા નાગરિકોને શેરબજારમાં ઊંચા વળતર અને વધુ કમાણીની લાલચ આપતા હતા. આ ઉપરાંત, ડમી સિમકાર્ડ અને રેન્ડમ મોબાઇલ નંબરના ડેટા લિસ્ટનો ઉપયોગ કરીને લોકો સાથે આર્થિક ઠગાઈ આચરવામાં આવતી હતી.
સ્થળ પરથી 8 આરોપીઓ ઝડપાયા, 3 ફરાર
સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને સ્થળ પરથી 8 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
- ચૌધરી રાજકુમાર ડાહ્યાભાઇ (રહે. ઉચરપી)
- સેનમા રોહીતકુમાર હરીભાઇ (રહે. મગરોડા)
- ઠાકોર નિલેશજી કનુજી
- ઠાકોર વિપુલજી રાજુજી
- રાવળ અંકિતકુમાર ગુણવંતભાઇ
- અમનસિંગ સુરેન્દ્રબહાદુર સિંગ (રહે. રાયબરેલી, લખનઉ, યુ.પી.)
- પરમાર ધવલકુમાર રસીકભાઇ (રહે. અમરાઈવાડી)
- રાવળ પરેશભાઇ દિલીપભાઇ (રહે. કરલી, ઊંઝા)
જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા રૂત્વીક ઉર્ફે સન્ની ચમાર (કરલી), પીન્ટુ ઠાકોર (જાસ્કા) અને સચીન ઉર્ફે નેપાલી દિનેશભાઈ રાવળ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમની શોધખોળ ચાલુ છે. મુખ્ય સૂત્રધારો અને ડમી ડેટા તથા સિમકાર્ડ પૂરા પાડનાર ચૌધરી વિષ્ણુભાઇ ઉર્ફે બચ્ચન (ગુંજાળા) અને ચૌધરી વિકાસ ઉર્ફે વિકો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મોટી માત્રામાં મોબાઈલ અને મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ 20 મોબાઇલ ફોન (જેમાં 13 એન્ડ્રોઇડ/એપલ અને 07 કી-પેડ વાળા મોબાઇલ), નકલી આઇડી કાર્ડ, કન્સલ્ટીંગ કાર્ડ અને ડમી સીમકાર્ડના કવર કબજે કર્યા છે. પોલીસે કુલ રૂ. 1,22,000 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Mehsanaથી ધાર્મિક સ્થળોએ જવું બન્યું આસાન! હરિદ્વાર માટે અઠવાડિયામાં 4 દિવસ અને દ્વારકા માટે નવી રાત્રિ ટ્રેન મળશે