મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના ખારોલ ગામે લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂત પુત્ર સાથે લગ્ન કરાવીને માત્ર 4 દિવસમાં જ દુલ્હન અને તેની સાથે સંકળાયેલો પરિવાર ફરાર થઈ જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ખેડૂત પુત્ર પાસેથી રોકડ અને સોનાના દાગીના સહિત કુલ 5.27 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વચેટીયાએ કરાવી લગ્નની વાત
પ્રાપ્ત વિગતો મુજબ ખારોલ ગામના વિરાટ પટેલના લગ્ન માટે વચેટીયા નટુભાઈએ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે લગ્નની વાત કરાવી હતી. યુવતી સાથે લગ્ન નક્કી થયા બાદ લગ્નની વિધિ કરવામાં આવી હતી.
5.27 લાખની રકમ પડાવાઇ
આરોપ છે કે લગ્ન કરાવવા અને વિવિધ ખર્ચના નામે અગાઉ રોકડ રકમ લેવામાં આવી હતી. આ ઉપરાંત સોનાના દાગીના સહિત કુલ 5.27 લાખની રકમ પડાવવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
લગ્નના 4 દિવસ બાદ તેડવા આવ્યા, પછી દુલ્હન થઈ ગાયબ!
લગ્નના માત્ર 4 દિવસ બાદ યુવતીને તેડવા માટે તેનો પરિવાર આવ્યો હતો. યુવતી પરિવાર સાથે ગઈ બાદ ફરી પરત ન આવતા શંકા ઊભી થઈ હતી. વિરાટ પટેલે દુલ્હન અને તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતાં મામલો વધુ શંકાસ્પદ બન્યો હતો. વચેટીયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો ફોન પણ બંધ હોવાનું સામે આવ્યું હતું.
તપાસ કરતાં સામે આવી છેતરપિંડીની આશંકા
દુલ્હન, તેના પરિવાર અને વચેટીયા તમામ લોકો સંપર્કથી દૂર થઈ જતાં ખેડૂત પરિવારે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ લગ્નના નામે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
આખરે ખેડૂત પુત્ર વિરાટ પટેલે દુલ્હન, તેના માતા-પિતા અને લગ્ન કરાવનાર વચેટીયાઓ સહિતના લોકો સામે કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ શરૂ કરી છે. લગ્નના નામે ખેડૂત પરિવાર સાથે ખરેખર સુનિયોજિત છેતરપિંડી થઈ છે કે નહીં, તે હવે પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ