મહેસાણા જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે.આજે ખેરવા ગામમાં ધોળેદિવસે એક લૂંટની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.લૂંટારુઓ એક વૃદ્ધને નિશાન બનાવી તેમની આંખમાં મરચાની ભૂકી નાખીને છરી વડે જીવલેણ હુમલો કરી રૂ. 1.50 લાખ રોકડ અને 8 તોલા સોનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.

થેલીના નકુચા કાપીને લાખોની મત્તા લૂંટી

મળતી માહિતી મુજબ, ખેરવા ગામના રહેવાસી 60 વર્ષીય વૃદ્ધ રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ ખેરવા ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીમાંથી બહાર નીકળી રહ્યા હતા. તેઓ જેવા સોસાયટીની બહાર આવ્યા કે તરત જ અગાઉથી ટાંપીને બેઠેલા લૂંટારુઓએ તેમના પર હુમલો કર્યો હતો.લૂંટારુઓએ સૌપ્રથમ રમેશભાઈની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. વૃદ્ધ કંઈ સમજે તે પહેલાં જ લૂંટારુઓએ તીક્ષ્ણ છરી વડે તેમના પર હુમલો કર્યો હતો. છરી રમેશભાઈના હાથમાં આરપાર ઘૂસી ગઈ હતી.લોહીલુહાણ હાલતમાં વૃદ્ધે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ લૂંટારુઓ તેમની પાસે રહેલી થેલીના નકુચા કાપીને લાખોની મત્તા લૂંટીને નાસી છૂટ્યા હતા.

લૂંટારુઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન

લૂંટારુઓ વૃદ્ધ પાસેથી આશરે 1.50 લાખ રૂપિયા રોકડા અને 8 તોલા સોનું મળીને અંદાજે 10 લાખ રૂપિયાની મતાની લૂંટ ચલાવી ગયા છે.ઘટના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં રમેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ અત્યંત ગંભીર જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં હાલ તબીબો દ્વારા રમેશભાઈની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો છે અને લૂંટારુઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ