મહેસાણાના વડનગર સ્થિત GMERS મેડિકલ કોલેજમાં ‘ઈમોશનલ સાયબર ફ્રોડ’નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે ભાવનાત્મક વાતો કરીને એક મહિલા ડોક્ટરને વિશ્વાસમાં લીધી અને QR કોડ મારફતે 9,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી મેડિકલ કોલેજમાં ચકચાર મચી છે. ચર્ચા એવી પણ છે કે અન્ય ફેકલ્ટી સભ્યો અને ડોક્ટરોને પણ અજાણ્યા શખ્સ દ્વારા સંપર્ક કરીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભાવનાત્મક વાતો કરીને વિશ્વાસમાં લીધા

મહિલા ડોક્ટર સાથે અજાણ્યા વ્યક્તિએ ભાવનાત્મક વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ QR કોડ મારફતે નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સાયબર ઠગો હવે માત્ર ટેકનિકલ પદ્ધતિથી જ નહીં, પરંતુ લોકોની લાગણીઓ અને વિશ્વાસનો ઉપયોગ કરીને પણ છેતરપિંડી કરતા હોવાના આક્ષેપો વચ્ચે આ ઘટના ચર્ચામાં આવી છે.

અન્ય ડોક્ટરોને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ?

મેડિકલ કોલેજના અન્ય ડોક્ટરો અને ફેકલ્ટી સભ્યોને પણ આવી જ રીતે ઈમોશનલ વાતચીત અથવા દબાણ દ્વારા ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે કેટલાક સજાગ ડોક્ટરો શંકાસ્પદ વ્યવહાર ઓળખી લેતાં ઠગાઈથી બચી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ કોલેજના ડોક્ટરો અને સ્ટાફમાં સાયબર સુરક્ષાને લઈને સતર્કતા વધારી છે.

નાણાં પરત ન મળતાં મહિલા ડોક્ટરે કરી આપવીતી જાહેર

ઠગાઈ બાદ નાણાં પરત ન મળતાં મહિલા ડોક્ટરે અન્ય લોકો પણ આવી છેતરપિંડીનો શિકાર ન બને તે હેતુથી પોતાની આપવીતી જાહેર કરી છે. તેમણે ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ સાથે સમગ્ર ઘટનાની વિગતો શેર કરીને લોકોને સાયબર ઠગાઈથી સાવચેત રહેવાની અપીલ કરી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સાયબર ઠગો હવે લોકોના વિશ્વાસ અને લાગણીઓને હથિયાર બનાવી નવી નવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે.

QR કોડ સ્કેન કરતાં પહેલાં સાવધાન

સાયબર સજાગતા માટે નિષ્ણાતો વારંવાર અપીલ કરે છે કે અજાણી વ્યક્તિની ઓળખની ખાતરી કર્યા વિના કોઈપણ QR કોડ સ્કેન ન કરવો જોઈએ. ખાસ કરીને પૈસા મેળવવાના બહાને મોકલવામાં આવતા શંકાસ્પદ QR કોડ સ્કેન કરતી વખતે વધુ સતર્ક રહેવું જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમમાં જાણ કરવી જોઈએ. હવે આ મામલે વધુ કોઈ ફરિયાદ અથવા તપાસ થાય છે કે નહીં તેના પર નજર રહેશે.  


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ