મહેસાણા શહેરના મોઢેરા ચોકડી અને નાગલપુર વિસ્તારમાં અંગત અદાવતને લીધે જૂની તકરારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારો વડે ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.જાહેર રસ્તા પર જ બોલાચાલી બાદ આચરાયેલા આ ગમખ્વાર હત્યાકાંડને પગલે સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો
મળતી વિગતો અનુસાર, નાગલપુર વિસ્તારમાં રહેતા સાબીર હુસેન ગુલામરસૂલ સૈયદ નામના યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે.મૃતકના ભાઈ નઝીર હુસેન સૈયદના જણાવ્યા મુજબ,અગાઉથી ચાલી આવતી તકરારને કારણે સાકિર રફીક મોહમ્મદ સૈયદ, તેનો ચાચા, તેનો ભાણો અને કાર ડ્રાઇવર સહિત ચારથી વધુ લોકોએ ભેગા મળીને સાબીર હુસેનને આંતર્યો હતો.પ્રથમ બોલાચાલી અને ઉગ્ર ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારો વડે સાબીર હુસેન પર તૂટી પડ્યા હતા. આરોપીઓએ તેના ગળાના ભાગે તીક્ષ્ણ શસ્ત્રથી ગંભીર ઘા મારી ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
