મોરબી જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધમધમતા ગેરકાયદે શ્રાવણિયા જુગારના અડ્ડાઓ પર પોલીસે લાલ આંખ કરી છે. મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ વિવિધ પોલીસ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત હળવદ અને વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે કુલ 18 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના ટીકર ગામેથી 9 જુગારીઓ ઝડપાયા

પ્રથમ દરોડાની વિગત મુજબ, હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે તાલુકાના ટીકર ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં ખુલ્લામાં હાર-જીતનો જુગાર રમી રહેલા 9 જુગારીઓને પોલીસે ઘેરાબંધી કરીને પકડી પાડ્યા હતા. પોલીસે આ સ્થળ પરથી દાવ પર લગાવેલી તેમજ અંગજડતીની મળીને કુલ રૂ. 51,700 ની રોકડ રકમ જપ્ત કરી છે, અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

વાંકાનેરના હોલગઢ રસ્તેથી 9 જુગારીઓ રૂ. 70,000 ની રોકડ સાથે પકડાયા

બીજી તરફ, વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પણ ગુપ્ત માહિતીના આધારે હોલગઢ જવાના રસ્તા પર દરોડો પાડ્યો હતો. ત્યાં જુગાર રમી રહેલા અન્ય 9 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રૂ. 70,000 ની રોકડ રકમ કબજે કરી છે. આમ, બંને સ્થળોએથી પોલીસે કુલ રૂ. 1,21,700 નો રોકડ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Morbi News: Police Raid Gambling Dens in Halvad and Wankaner, 18 Arrested

શ્રાવણીયા જુગાર સામે પોલીસની સખત કાર્યવાહી

તહેવારોની સીઝનમાં ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની પ્રવૃત્તિ વધી જતી હોય છે, જેને ડામવા માટે મોરબી પોલીસ દ્વારા તમામ તાલુકાઓમાં પેટ્રોલિંગ અને દરોડાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. પોલીસે પકડાયેલા તમામ 18 જુગારીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે, જેનાથી જુગારીઓમાં ફાફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો: Morbi: વાંકાનેરના માટેલ રોડ પર રોલ સ્ટાર સિરામિકમાં ભીષણ આગ; 5 ફાયર ફાઇટર સ્થળ પર