પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની મામલતદાર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. જમીનના રેકોર્ડમાં નામ દાખલ કરવા જેવી કાયદેસરની કામગીરી માટે પણ સરકારી બાબુઓ દ્વારા બેફામ લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે જાંબુઘોડા મામલતદાર કચેરીના એક ક્લાર્કને એન્ટી કરપ્શન બ્યુરો ની ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કડક કાર્યવાહી કરી છે.
જમીનમાં નામ દાખલ કરવા અરજી કરી
મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે પોતાની જમીનમાં નામ દાખલ કરવા અને નોંધ પાડવાની કામગીરી માટે જાંબુઘોડા મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો હતો.
ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલાએ રૂપિયા 25,000 ની માગ કરી
આ કાર્યવાહી કરી આપવા માટે કચેરીની ATV શાખામાં ફરજ બજાવતા ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલાએ રૂપિયા 25,000 ની લાંચની માંગણી કરી હતી. જોકે, અરજદાર આ લાંચની રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક લાંચ રૂશ્વત વિરોધી વિભાગનો સંપર્ક સાધ્યો હતો.
મામલતદાર કચેરી જાંબુઘોડા ખાતે લાંચનું છટકું ગોઠવાયું
અરજદારની ફરિયાદને આધારે મહીસાગર ACB ની ટીમે મામલતદાર કચેરી જાંબુઘોડા ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. પોતાની જાળમાં ફસાતો લાંચિયો ક્લાર્ક સુરપાલસિંહ ઝાલા અરજદાર પાસેથી રૂપિયા 25,000 ની રોકડ રકમ સ્વીકારવા ગયો હતો. લાંચ સ્વીકારતાની સાથે જ પહેલેથી જ ગોઠવાયેલા ACB ના અધિકારીઓએ ત્રાટકીને આરોપી ક્લાર્કને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ
ACB ની ટીમે સ્થળ પરથી લાંચ પેટે લેવાયેલા રૂપિયા 25,000 પણ રિકવર કર્યા છે. સરકારી કચેરીમાં જ ACB ની સફળ ટ્રેપ થતાં અન્ય ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં લાંચિયા ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ