પાટણ જિલ્લાના હારીજ પંથકમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. હારીજના સરવાલ પુલ પર પુરપાટ ઝડપે આવતી ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઈક પર સવાર નિર્દોષ દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સમી તાલુકાના તારોરા ગામના દંપતીનો ભોગ લેવાયો

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનનારા દંપતી પાટણ જિલ્લાના સમી તાલુકાના તારોરા ગામના રહેવાસી હતા. મૃતકોની ઓળખ વાલ્મિકી ઘનીબેન અને મકવાણા ઈશ્વરભાઈ તરીકે થઈ છે. આ દંપતી કોઈ કામ અર્થે જઈ રહ્યું હતું તે દરમિયાન સરવાલ પુલ પર આ ગોઝારી ઘટના ઘટી હતી. ટ્રકની જોરદાર ટક્કર એટલી ભયાનક હતી કે, પતિ-પત્ની બંનેએ સ્થળ પર જ પોતાના પ્રાણ ગુમાવી દીધા હતા.

Patan News: Tragic Road Accident on Patan Harij Bridge: Couple Dead

અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર

ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ જવાબદાર ટ્રક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Patan News: Tragic Road Accident on Patan Harij Bridge: Couple Dead

હોસ્પિટલ ખાતે મૃતદેહ ખસેડાયા અને પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ હારીજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ હારીજ પોલીસે નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ પરિવારના બે મોભીઓના અચાનક અવસાનથી તારોરા ગામમાં કાળો કલ્પાત મચી ગયો છે.


આ પણ વાંચો: Patan: સરસ્વતીના જંગરાલની સીમમાં ઝાડ પર લટકતી હાલતમાં યુવક-યુવતીના મૃતદેહ મળી આવતાં ચકચાર