પાટણ જિલ્લાના હારીજ તાલુકાના એક ગામમાં દશેરાની પવિત્ર રાત્રે માનવતાને લજવતો અને સમાજને હચમચાવી દેતો અત્યંત શરમજનક બનાવ સામે આવ્યો છે. ગામના ચોકમાં ઉત્સાહભેર ગરબા નિહાળી રહેલી 11 વર્ષની માસૂમ સગીરાને તેના જ પાડોશમાં રહેતો એક નરાધમ યુવક બળજબરીપૂર્વક ઉઠાવી ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બાળકીના પરિવારે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને સીધો જેલહવાલે કરવાનો આદેશ આપ્યો છે.
પિતા ઘરે ગયા ને પાડોશીએ મોકો શોધી માસૂમ પર ત્રાટક્યો
ઘટનાની વિગતો અનુસાર દશેરાના પર્વ નિમિત્તે ગામના ગરબી ચોકમાં 11 વર્ષની બાળકી પોતાના પિતા સાથે ગરબા જોવા ગઈ હતી.દરમિયાન ઘરે મહેમાન આવ્યા હોવાની જાણ થતાં પિતા પુત્રીને ગરબા સ્થળે બેસાડીને થોડીવાર માટે ઘરે ગયા હતા.પિતા ગેરહાજર હોવાનો ફાયદો ઉઠાવીને પાડોશમાં જ રહેતો શખ્સ ત્યાં પહોંચ્યો હતો અને બાળકીનો હાથ પકડી, બળજબરીથી અંધારામાં ઢસડી ગયો હતો, જ્યાં તેણે માસૂમ પર દુષ્કર્મ આચર્યું હતું.પિતા પરત ફરતાં બાળકી ગરબી ચોકમાંથી ગાયબ જણાતાં તેમણે તાત્કાલિક લાઉડસ્પીકર (માઈક) પર એનાઉન્સમેન્ટ કરાવ્યું હતું.ચોકમાં શોધખોળ અને માઈકમાં જાહેરાત થતાં જ પકડાઈ જવાના ડરે આરોપી ગભરાઈને સગીરાને ત્યાં જ છોડીને અંધારામાં નાસી છૂટ્યો હતો.
