સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાંથી ગેરકાયદેસર ખોદકામ અને ખનીજ ચોરી સામે તંત્રની કડક કાર્યવાહીની મોટી ઘટના સામે આવી છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારી જે.એસ. વાઢેરના માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય તપાસ ટીમે 19 નવેમ્બર 2026ના રોજ મૂળી તાલુકાના આસુન્દ્રાળી અને ધોળીયા ગામે કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર ખોદકામ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન બંને ગામમાંથી કુલ 22 ગેરકાયદેસર કૂવા ઝડપી પાડવામાં આવ્યા છે અને 250 ટન કાર્બોસેલ ખનીજ સહિત કુલ રૂ.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આસુન્દ્રાળીમાંથી રૂ.14 લાખનો મુદ્દામાલ જપ્ત

રોયલ્ટી ઇન્સ્પેકટર હીરેનભાઈ પી. સાંડેરા, હાર્દિકભાઈ પ્રજાપતિ અને સર્વેયર કરણભાઈ ભેડાની ટીમે બપોરે 12:30 વાગ્યે આસુન્દ્રાળી ગામે આકસ્મિક તપાસ કરી હતી. અહીં ગેરકાયદેસર ખોદકામ માટે ઊંડા ઉતારેલા 15 કૂવા પકડીને ખનીજ ચોરીની માપણી કરવામાં આવી હતી. સ્થળ પરથી લોખંડના પાઇપ (સુંઢ અને કેસીંગ) તેમજ આશરે 230 મેટ્રિક ટન કાર્બોસેલ ખનીજના જથ્થા સહિત રૂ.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

ધોળીયામાં 7 કૂવા ઝડપાયા, રૂ.4 લાખનો મુદ્દામાલ કબજે

આ જ ટીમે ધોળીયા ગામે વહેલી સવારે 7 વાગ્યે તપાસ હાથ ધરી હતી, જ્યાં ગેરકાયદેસર ખોદકામ અર્થે ઊંડા ઉતારેલા 7 કૂવા પકડાયા હતા. ધોળીયા ખાતેથી લોખંડના પાઇપ (સુંઢ અને કેસીંગ), બકેટ તથા આશરે 20 મેટ્રિક ટન કાર્બોસેલ ખનીજ સહિત રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તપાસ ટીમ દ્વારા બંને ગામના તમામ 22 કૂવાઓની માપણી કરીને નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો