સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક અત્યંત ચકચારી અને ગંભીર ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના સાયલા પંથક સ્થિત ઓવનગઢ ગામ નજીક આવેલા નિભણી ડેમ કાંઠે એક ખેડૂત યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે. બે દિવસ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલી અને માથાકૂટની અદાવત રાખીને આ ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે.
દારૂ પીવાની પાર્ટી દરમિયાન થયેલી માથાકૂટ બની હત્યાનું કારણ
મૃતક 30 વર્ષીય ખેડૂત યુવક રામજીભાઈ જેશીંગભાઈ ડાભી બે દિવસ અગાઉ નિભણી ડેમના કાંઠે પોતાના મિત્ર રમેશભાઈ જદાવભાઈ સરવૈયા અને અન્ય કેટલાક શખ્સો સાથે હાજર હતા. તે દરમિયાન ત્યાં દારૂ પીવાની બાબતને લઈને કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. આ જૂની અદાવત અને મનદુઃખને ધ્યાનમાં રાખીને બે શખ્સો દ્વારા ખેડૂત યુવક રામજીભાઈ ડાભી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત, પરિવારમાં શોક
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રામજીભાઈ ડાભીને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. યુવકના અચાનક અવસાનના સમાચાર મળતા જ તેમના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે અને શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
DYSP સહિત પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે
બનાવની ગંભીરતાને ધ્યાને લઈને DYSP સહિત પોલીસનો ઉચ્ચ કાફલો તુરંત સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો, જ્યાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ની ટીમોએ નિભણી ડેમ પર સ્થળ પર પહોંચીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ઘટનાસ્થળેથી ઉલટીના નિશાનો પણ મળી આવ્યા છે, જેના આધારે પોલીસે ફોરેન્સિક એંગલથી પણ તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો