સુરેન્દ્રનગરમાં પત્નીની જાહેરમાં હત્યાના ચકચારી કેસમાં ફરાર આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. સોનલબેનની હત્યાના આરોપમાં રાજેશ ઉર્ફે રાજુ જેમલભાઈ કાંજીયાને પોલીસે વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

કોર્ટમાંથી ઘરે જતી પત્ની પર હુમલો

ગત 18 ઓગસ્ટે માનવ મંદિર નજીક મુળચંદ રોડ પર સોનલબેન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. કોર્ટની મુદત પૂર્ણ કરીને ઘરે પરત જઈ રહેલી સોનલબેન પર આરોપી પતિએ આડેધડ 20થી વધુ છરીના ઘા માર્યા હોવાનો આરોપ છે.

વચ્ચે પડેલા 2 લોકોને પણ ઈજા

હુમલા દરમિયાન સોનલબેનને બચાવવા વચ્ચે પડેલા 2 લોકોને પણ છરી વડે ઈજા પહોંચાડવામાં આવી હોવાનો આરોપ છે. ગંભીર રીતે ઘવાયેલી સોનલબેનને સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

પારિવારિક કંકાસ અને કોર્ટ કેસની અદાવતનો આરોપ

પ્રાથમિક વિગતો મુજબ પતિ-પત્ની વચ્ચે પારિવારિક કંકાસ ચાલી રહ્યો હતો અને મામલો ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ અદાવતને કારણે હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે વાપીથી ઝડપી પાડ્યો

હત્યાની ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વાપી ખાતે કાર્યવાહી કરી રાજેશ ઉર્ફે રાજુ જેમલભાઈ કાંજીયાને ઝડપી પાડ્યો હતો.

4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે પોલીસ હત્યા પાછળનું કારણ, હુમલાની પૂર્વ તૈયારી અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવશે. 


આ પણ વાંચો  ;   Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!