સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં ગેરકાયદે ખનીજ અને કોલસા ચોરીની પ્રવૃત્તિઓ સામે સ્થાનિક પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. થાનગઢ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વેલાળા અને જામવાળી ગામની સીમમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કિંમતનું ગેરકાયદે કાર્બોસેલ કોલસાનું ખનન ઝડપાઈ જતાં ખનિજ માફિયાઓમાં ભારે હડકંપ મચી ગયો છે.

વેલાળા અને જામવાળી સીમમાંથી કુલ 500 ટન કોલસો ઝડપાયો

પોલીસની ટીમે કરેલી તપાસ મુજબ, વેલાળા ગામની સીમમાંથી 1 ટ્રેક્ટર, 6 લોખંડના પાઇપ અને 100 મેટ્રિક ટન ગેરકાયદે કોલસો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂપિયા 8.10 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, જામવાળી ગામની સીમમાં હાથ ધરેલી તપાસમાં 17 લોખંડના પાઇપ, 7 ડીઝલ ચરખી અને 400 મેટ્રિક ટન કોલસો મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 17.65 લાખ થાય છે. આમ, પોલીસે બંને સ્થળો પરથી કુલ 500 મેટ્રિક ટન કોલસો અને અન્ય સાધનો સહિત કુલ રૂપિયા 25.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Surendranagar News: Thangadh Coal Raid: Police Seize 500 Tons of Illegal Coal Worth Rs 25.75 Lakhs in Velala and Jamvali

ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કરાઈ કાર્યવાહી

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક (IG) નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. ચોટીલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ. ભદોરિયાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

Surendranagar News: Thangadh Coal Raid: Police Seize 500 Tons of Illegal Coal Worth Rs 25.75 Lakhs in Velala and Jamvali

ખાણ-ખનિજ વિભાગને સોંપાઈ આગળની તપાસ

પોલીસે બંને જગ્યાએથી જપ્ત કરેલા તમામ મુદ્દામાલ અને સાધનો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ-ખનિજ વિભાગને સત્તાવાર જાણ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા અન્ય શખ્સો સામે પણ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!