વલસાડ જિલ્લાના વાપીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે.આશરે 20 દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયેલી એક યુવતીનો અત્યંત સડી ગયેલી અને ડીકમ્પોઝ્ડ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સઘન તપાસ શરૂ કરી છે. વાપીના સેન્ટર પોઈન્ટ વિસ્તારમાં આવેલા બેઝમેન્ટ પાર્કિંગ પાસેથી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.  

ગુમ થયેલી યુવતીનો મૃતદેહ 20 દિવસ બાદ મળ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર,વાપીના સરસ્વતી નગર વિસ્તારમાં રહેતી મનીષા મોર્યા નામની યુવતી 20 દિવસ પૂર્વે ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી.યુવતી અચાનક ઘર છોડીને ક્યાંક ચાલી જવાથી અથવા રહસ્યમય રીતે ગાયબ થઈ જવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.દીકરીની કોઈ ભાળ ન મળતા પરિવારજનો અને સગા-સંબંધીઓ ભારે ચિંતામાં જોવા મળ્યા હતાં.પરિવારે પોતાની દીકરીને શોધવા માટે વાપી તેમજ આસપાસના અનેક વિસ્તારોમાં ભારે દોડધામ આદરી હતી પરંતુ તે સમયે યુવતીનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો.આ શોધખોળ બાદ આખરે 20 દિવસ વીતી ગયા પછી જ્યારે વાપીના સેન્ટર પોઈન્ટના બેઝમેન્ટ પાર્કિંગ પાસેથી મનીષાની બોડી અત્યંત ખરાબ અને ડીકમ્પોઝ્ડ હાલતમાં મળી આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 

મોતનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ સામે આવશે

પોલીસે તપાસ કરતાં યુવતીનો મૃતદેહ લાંબા સમયથી બંધ જગ્યાએ પડ્યો હોવાના કારણે સડી ગયો હતો. અહીં સવાલ એ છે કે આ વિસ્તાર ખૂબજ ધમધમતો હોવા છતાં આ મૃતદેહ પર કોઈનું ધ્યાન ગયું નહોતુ.પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અલગ અલગ ટીમોની રચના કરી છે.પોલીસ દ્વારા અનેક દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.સેન્ટર પોઈન્ટના બેઝમેન્ટ સુધી યુવતી કેવી રીતે પહોંચી? તેનું અપહરણ થયું હતું કે તે જાતે ગઈ હતી? કે પછી આ કોઈ ઘાતકી હત્યાનો મામલો છે?તે તમામ બાબતો પર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ આદરી છે.આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે જેથી યુવતી છેલ્લે કોની સાથે અથવા કઈ પરિસ્થિતિમાં જોવા મળી હતી તેની કડીઓ મેળવી શકાય.હાલમાં પોલીસે યુવતીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.યુવતીના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે બહાર આવશે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્ય સરકારે વર્ષ 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું, જાણો કઈ કઈ રજાઓ મળશે