જુનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન વંથલી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર નિકુંજ હદવાણી પોતે જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ જતાં સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લોકપ્રતિનિધિ જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનું બહાર આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાલિકાના કોર્પોરેટર નિકુંજ હદવાણી સહિત ચાર ઝડપાયા
મળતી વિગતો અનુસાર, વંથલીમાં એક ચોક્કસ સ્થળે મોટા પાયે હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ઘટનાસ્થળેથી વંથલી પાલિકાના કોર્પોરેટર નિકુંજ હદવાણી અને તેમની સાથે જુગાર રમતા અન્ય ૪ જાણીતા વેપારીઓ પણ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
