રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂના નેટવર્ક સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સતત સકંજો કસવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાંથી SMCની ટીમે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા નજીક ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક રેડ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ જતાં બુટલેગરો અને દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કુલ રૂ.35.49 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ દરોડા દરમિયાન પોલીસ દ્વારા વાહનમાંથી વિદેશી દારૂની ૫૫ પેટી, એટલે કે કુલ 658 બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા વિદેશી દારૂની કિંમત આશરે રૂ.10.41 લાખથી વધુ થાય છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ વાહન અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.35,49,074નો મસમોટો મુદ્દામાલ SMC દ્વારા કબજે કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા રાજસ્થાનના ચિતલવાણા તાલુકાના 4 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
