દમણની સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક્સાઇઝ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉમેશ પટેલ પર આક્ષેપ થયો હતો કે તેમણે ફરજ પરના પોલીસકર્મીઓને ધક્કો માર્યો હતો, બળજબરીથી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને સરકારી સમિતિના સભ્યોને તેમની કાયદેસરની ફરજ બજાવતા અટકાવ્યા હતા.
દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલની મુશ્કેલી વધી
સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા અને કાયદાકીય ફરજમાં રૂકાવટ બદલ નોંધાયેલા કેસમાં નીચલી કોર્ટે ઉમેશ પટેલને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી.નીચલી કોર્ટના આ ચુકાદા સામે ઉમેશ પટેલે દમણ સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય ત્યાં સુધી સજાના અમલ પર સ્ટે મેળવવા ઈ-અરજી કરી હતી. સાંસદના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે 2 વર્ષની સજા થતાં જ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ મુજબ ઉમેશ પટેલ આપોઆપ સાંસદ પદેથી ગેરલાયક ઠરી શકે છે. તેથી આ કાયદાકીય પરિણામોને ટાળવા માટે સજા પર સ્ટે આપવો જરૂરી છે.
