દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે માર્ગ પર આવેલા દાહોદ પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. આ વ્યસ્ત રેલવે રૂટ પર આવેલા જેકોટ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી એક માલગાડીના મુખ્ય એન્જિનમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. એન્જિનમાંથી અચાનક જ આગની જ્વાળાઓ અને ધુમાડાના કાળા ગોટેગોટા નીકળતા જોઈને રેલવે સ્ટાફ, મુસાફરો અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.
રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા
આગની આ હોનારત અંગે સ્ટેશન માસ્ટર દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટરો સાથે તાબડતોબ જેકોટ રેલવે સ્ટેશને દોડી આવી હતી. આ સાથે જ પશ્ચિમ રેલવેના ઉચ્ચ વહીવટી અધિકારીઓ અને ટેકનિકલ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ એન્જિનમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને તેને વધુ ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.
