દાહોદ જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેસરસિંહ ચાવડા સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ફરિયાદીના ડ્રાઇવર સામે કોઠંબા પોલીસ સ્ટેશન ખાતે ફેટલ (જીવલેણ) અકસ્માતનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પકડાયેલા ડ્રાઇવરને પોલીસ સ્ટેશનમાં માર નહીં મારવા અને કાયદેસર રીતે જામીન મુક્ત કરવાના બદલામાં PSI કેસરસિંહ ચાવડાએ રૂ. 2,00,000ની લાંચની માંગણી કરી હતી.

અકસ્માતના કેસમાં જામીન માટે લાંચની માંગણી 

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ACB નો સંપર્ક કરી સમગ્ર મામલાની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB ની ટીમે PSI ને રંગેહાથ ઝડપી પાડવા માટે ચોક્કસ આયોજનબદ્ધ ટ્રેપ ગોઠવી હતી. વાટાઘાટોના અંતે પ્રથમ હપ્તા પેટે રૂ. 1,00,000આપવાનું નક્કી થયું હતું. નક્કી થયા મુજબ PSI ચાવડાએ ફરિયાદીને વરધરી આઉટ પોસ્ટ ખાતે લાંચની રકમ લઈને બોલાવ્યા હતા.

ACB ની ટીમે PSIને દબોચી લીધા 

વરધરી આઉટ પોસ્ટ ખાતે ફરિયાદી પાસેથી PSI કેસરસિંહ ચાવડાએ જેવા રૂ. 1 લાખ રોકડા સ્વીકાર્યા કે તુરંત જ વોચમાં ગોઠવાયેલી ACB ની ટીમે દરોડો પાડીને તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા. ACB એ લાંચની પૂરેપૂરી રૂ. 1 લાખની રોકડ રકમ સ્થળ પરથી રિકવર કરી છે.PSI સામે ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ (PC Act) હેઠળ ગુનો નોંધીને તેમની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના રહેણાંક સ્થાન તેમજ બેંક એકાઉન્ટ્સ અંગે પણ ACB એ આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: વિટામિન C ના લેબલ હેઠળ ઘાતક કેમિકલની દાણચોરી, સુરતના ઉદ્યોગપતિને અમેરિકામાં 54 મહિનાની જેલ