દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ભથવાડા ટોલનાકા પર સુરક્ષા અને વહીવટને પડકાર ફેંકતી એક ગંભીર ઘટના સામે આવી છે. ભથવાડા ટોલનાકા પરથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે ટોલ કર્મચારી પર કાર ચઢાવી દેતા સ્થળ પર ભારે અફરાતફરી અને સનસનાટી મચી ગઈ હતી.
ભથવાડા ટોલનાકા પર કર્મચારી પર કાર ચઢાવી દેવાઈ
ઘટનાની જાણ થતાં જ પીપલોદ પોલીસ મથકની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી ગોઠવી દીધી હતી.પીપલોદ પોલીસે બનાવ સંદર્ભે પ્રાથમિક તપાસ હાથ ધરી ટોલનાકાના સીસીટીવી ફુટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી કારનો પીછો કર્યો હતો. પોલીસની ત્વરિત કામગીરીને કારણે ઘટનાના ગણતરીના કલાકોમાં જ કાર ચાલક સહિત તેમાં સવાર અન્ય એક શખ્સ મળી કુલ ૨ શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
