દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયાં હતાં અને ફતેપુરા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. ફતેપુરા તાલુકાના ઘૂઘસ, નાની ચરોલી અને મોટી ચરોલી સહિતના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાએ પધરામણી કરતાં જ સમગ્ર વિસ્તારમાં માહોલ અહલાદક બની ગયો હતો. વરસાદના લીધે ધૂળિયા માર્ગો અને વાતાવરણમાં પ્રસરેલી ગરમી શમી ગઈ હતી.

લાંબા સમયના વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક

છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હોવાથી લોકો અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી ત્રસ્ત થઈ ગયા હતા. જોકે, લાંબા સમયના ઇંતેજાર બાદ આખરે વરસેલા આ વરસાદથી વાતાવરણમાં ક્ષણભરમાં જ આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. કાળઝાળ ગરમીથી અકળાયેલા સ્થાનિક રહીશોને મોટી રાહત મળી હતી અને લોકોએ ગુલાબી ઠંડકનો અનુભવ કર્યો હતો. વરસાદ શરૂ થતાં જ બાળકો અને મોટેરાઓએ ભીંજાવાનો આનંદ માણ્યો હતો.

મુરઝાતા પાકને જીવનદાન મળતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર

લાંબા સમયથી વરસાદ ગાયબ રહેતાં વાવણી કરી ચૂકેલા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ઊભા પાક પર સંકટ તોળાઈ રહ્યું હતું. તેવામાં ફતેપુરા અને આસપાસના વિસ્તારોમાં વરસેલા આ વરસાદથી ખેતરોમાં મુરઝાતા પાકને નવું જીવનદાન મળ્યું છે. વરસાદ થતાં જ ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. ખેડૂતોના મતે આ વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને આગામી દિવસોમાં પાકનો ઉપડ સારો રહેશે તેવી આશા જાગી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો