દાહોદ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ખાનગી શાળાઓને પડતી વિવિધ વહીવટી અને નાણાકીય મુશ્કેલીઓ અંગે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોએ ખાસ કરીને ફી નિર્ધારણ સમિતિ (FRC)ની મંજૂરી પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ કરી છે. સંચાલક મંડળે રજૂઆત કરી છે કે જે શાળાઓ ૧૦% કે તેથી ઓછો ફી વધારો કરતી હોય તેમને પ્રોપોઝલ (Proposal) અને સોગંદનામા (Affidavit) જેવી જટિલ પ્રક્રિયાઓમાંથી રાહત આપવી જોઈએ, જેથી સમય અને વહીવટી બોજ ઘટી શકે.

RTEની બાકી ફી, કૉમન ડેટા પોર્ટલ અને L.C. અંગે સ્પષ્ટ માર્ગદર્શિકાની માંગ

આ ઉપરાંત, સંચાલક મંડળે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની લાંબા સમયથી બાકી અને લાયક ફીની રકમનું ચુકવણું સત્વરે સુનિશ્ચિત કરવા માંગ કરી છે. સરકારી વિભાગો દ્વારા વારંવાર એક જ પ્રકારની વિગતો મંગાવવામાં આવતી હોવાથી તમામ માહિતી માટે એક 'Common Data Portal' બનાવવાની રજૂઆત કરાઈ છે. સાથોસાથ, લાંબા સમયથી બાકી શાળા ફી કે બસ ફી હોવા છતાં વિદ્યાર્થીઓને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (L.C.) આપવા અંગે સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરવા માંગ કરી છે, જેથી શાળા અને વાલી બંનેના હિતનું યોગ્ય રક્ષણ થઈ શકે.

બિનજરૂરી હસ્તક્ષેપ રોકવા અને તાત્કાલિક નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી

સંચાલકોએ રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે સ્વનિર્ભર શાળાઓના આંતરિક વહીવટ અને કર્મચારી વ્યવસ્થામાં સરકારી વિભાગો દ્વારા બિનજરૂરી હસ્તક્ષેપ રોકવામાં આવે. અગાઉ પણ આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આ વખતે કલેક્ટર અને DEO સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંચાલક મંડળે ચીમકી આપી છે કે જો યોગ્ય સમયમર્યાદામાં આ તમામ પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ નહીં લાવવામાં આવે, તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે અને કાયદેસરના આગળના પગલાં લેવા અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડનો ભડકો, VC નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ સામે NSUIના તીખા પ્રહારો!