દાહોદ શહેરમાં ગણેશોત્સવના અંતિમ દિવસે અતિ ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઢોલ-નગારા, ડીજેના તાલ અને "ગણપતિ બપ્પા મોરિયા"ના નારાઓ સાથે શ્રદ્ધાળુઓ દાદાને ભાવભીની વિદાય આપી રહ્યા છે. ગોધરા રોડ પર વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે નાની-મોટી ગણેશજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

શ્રદ્ધાળુઓની સુવિધા, ક્રેઈન અને સુસજ્જ સુરક્ષા વ્યવસ્થા

તંત્ર દ્વારા આ વખતે વિસર્જન સ્થળે અનોખી અને વિશેષ સવલતો ઊભી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે તળાવ કિનારે લપસણી ન થાય તે હેતુથી પહેલીવાર પ્લાસ્ટિક મેટિંગ પાથરવામાં આવી છે. આ ઉપરાંત મોટી અને વજનદાર મૂર્તિઓના સરળતાથી વિસર્જન માટે સ્થળ પર 2 ક્રેઈન તથા 2 તરાપા સતત કાર્યરત રખાયા છે. કોઈ અણબનાવ ન બને તે માટે 60 જેટલા સ્થાનિક કુશળ તરવૈયાઓ તૈનાત કરાયા છે. સાંજ અને રાત્રિના સમયે વિસર્જન કામગીરી અટક્યા વગર ચાલે તે માટે સમગ્ર પરિસરમાં હાઈમાસ્ટ ફ્લડ લાઈટો ગોઠવવામાં આવી છે તથા ફાયર વિભાગની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયમન

ગણેશ વિસર્જનની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ૨ DySP, 20 PI અને PSI તથા 300 જેટલા પોલીસ જવાનોને સમગ્ર શહેરમાં તૈનાત કરવામાં આવ્યા છે. વિસર્જન શોભાયાત્રાના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં વાહનવ્યવહાર સુગમ રાખવા અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે હોમગાર્ડ અને ટીઆરબી (TRB) જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો