દાહોદ શહેરમાં બોલિવૂડ ફિલ્મ ‘સ્પેશિયલ 26’ના દ્રશ્યોને પણ ટક્કર મારે તેવી એક સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક પરપ્રાંતીય ભેજાબાજોએ માત્ર બે જ દિવસમાં આખી નકલી બેંક ઊભી કરી એક ઝવેરીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ઠગ ટોળકીએ દાહોદની એક બિલ્ડિંગમાં ઓફિસ ભાડે રાખીને 'ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક' નામે નકલી બ્રાન્ચ શરૂ કરી દીધી હતી. આ ઓફિસના સેટઅપ, ફર્નિચર અને દુકાન ભાડા માટે પણ આરોપીઓએ ચેકથી ચૂકવણી કરી લોકોનો વિશ્વાસ જીત્યો હતો.
વેપારી પાસે 200 ગ્રામ સોનું બેંકમાં મંગાવ્યું
આટલું જ નહીં, બેંક અસલી લાગે તે માટે સ્થાનિક બેરોજગાર યુવક-યુવતીઓના ઇન્ટરવ્યુ ગોઠવીને તેમને નોકરી પર પણ રાખી લીધા હતા. બેંક ચાલુ થયાના બીજા જ દિવસે આરોપીઓએ દાહોદના એક જાણીતા જ્વેલર્સનો સંપર્ક કર્યો હતો. તેમણે જગન્નાથ રથયાત્રામાં સોનું દાન કરવાનું બહાનું બતાવીને વેપારી પાસે 200 ગ્રામ સોનું બેંકમાં મંગાવ્યું હતું.
